૨૧મી સદીનું ભારતીય સંયુક્ત કુટુંબ..દેસાઈ પરિવાર April 8, 2008
Posted by ambubhai in : Uncategorized , trackback
ફોટો સૌજન્યઃ શીવાની દેસાઈ;
આજે ૨૧ માર્ચ ૨૦૦૮ નાંદિવસે મેં ૮૮ વર્ષ પુરા કર્યા..
આજે ૨૦૦ વર્ષ બાદ આવી વિવિધતામાં એકતા.
આજે ઈદે મિલાદ ( ઇસ્લામીક તહેવાર)
આજે ગૂડ ફ્રાઈડે ( ઈસાઈ તહેવાર )
આજે નવરોઝ (પારસી તહેવાર)
આજે હોળી (હિન્દુ તહેવાર)
તેથી મેં મનાવ્યો પ્રેમનો તહેવાર,
માનવતાનો તહેવાર..
સંયુક્ત કુટુંબનો ઉજ્વળ વહેવાર..
ક્યાંકથી સાંભળેલુ લખુ છું
જે લોકોને પ્રેમ આપે છે
તે લોકો પાસેથી પ્રેમ પામે પણ છે.
તેના જીવનની વસંત કદી વીલાતી નથી.
એના વહાલા વિભુનો વિયોગ ક્યારેય થતો નથી
એને તો આનંદ રુપ ઇશ્વરનો પ્રેમાળ સાક્ષાત્કાર જ થતો રહે છે.
આજે મને લખવુ છે.
મારા જીવનનાં કેટલાક સંયુક્ત કુટુંબ નાં સંસ્મરણો.
સંયુક્ત કુટુંબ એટલે એક છત નીચે રહેતી ત્રણ પેઢી એમ નહીં પણ રોજ મળતી અને ખીલતી ત્રણ કે ચાર પેઢીની ફુલવાડી જે સુખમાં અને દુઃખમાં મન મેળ જાળવીને રહે. મેં અનુભવેલા જીવનના કેટલાક સત્યો કે જેણે મને ભારતીય સંયુક્ત કુટુંબનુ સુખ અહીં અમેરિકામાં પણ આપ્યુ.
- સંયુક્ત કુટુંબ ત્યારેજ સંયુક્ત રહે છે જ્યારે વડિલો તટસ્થ રહી સબળાના બળે નબળાને સાચવી લે. દસી વીશી તો દરેકની આવે છે અને તેમા પગ ડગડગવાનુ કારણ પણ મળે. મેં અને શાંતાએ કુટુંબને બાંધીને રાખવાનું જરુરી ઉંજણ સહનશક્તી અમે દરેકમાં વાવી છે. એટલે તે ઘર્ષણો રોકનારુ પરિબળ બને છે.
- મારા પાંચેય હયાત દિકરાઓની ઘરવધુઓને મેં ક્યારેય વહુ તરીકે માની નથી તે પણ દિકરીઓ જ છે એવુ મારુ અને શાંતાનુ સદાનુ વલણ અને તે કારણે કોઈને ખોટુ લાગ્યું કે ઓછુ આવ્યુ તો શાન્તા અને અંબુ પાસે ખુલ્લ મો એ ફરિયાદ કરી શકે અને બા- બાપા પાસે રડી શકે તેવુ મમત્વ આપ્યુ છે.
- ક્યારેક ટકોર કે ઠપકો આપવો પડે ત્યારે અમે બન્ને વહેંચાઈ જઈએ..શાંતા દિકરાનુ ખેંચે અને મારે વહુનો પક્ષ લેવાનો અને તે બેનો વિવાદ વહેવારીક રીતે કાઢવાનો.
- આજે હવે બાગ કામ થોડુક ઘટ્યુ પણ જે દિકરાને ત્યાં હું ગયો હોઉં ત્યાં શાકભાજી વાવવાથી માંડી ઘરનુ દરેક નાનુ મોટુ કામ હું કરુ અને બધાને તે ખબર.શાંતા રસોડે જરુરી ગરમી રાખે.
- દર શુક્રવારની સાંજે થતી ભજન અને ધાર્મીક સ્તુતીનિ બેઠક્માં પાંચેય દિકરાઓ દિકરીઓ પૌત્રો અને પૌત્રીઓ કે પ્રપૌત્રીઓ સાથે આખા અઠવાડીયાનો અહેવાલ દાદાજી લે અને કોલેજ્માં શું થયુ..કયુ પિક્ચર કેવુ છે તથા દેશ વિદેશના સગવહાલઓની ખબર અપાય અને તેને લગતી ૧૯૪૫ થી આજ સુધીની બધી વાતો હું કરુ.
- દાદા એટલે દાદાગીરી નહિં પણ સંસ્કૃતનાં દા દા એટલે દાન દેનારા..પ્રેમ વહેંચનારા અને સમતળ ધરા ઉપર વેરો આંતરો રાખ્યા વિનાનો સમભાવ અને સ્વભાવ ધરાવવો તે દાદા બની ને રહું છું
- ઘણાને અમેરિકામા આ શક્ય હોય તેવુ લાગતુ જ નથી છતા પ્રભુની મહેરબાની છે ૧૯૯૬માં પાંચ ભાઈઓ અને ભોજાઈઓ અને તે દરેક્ના બબ્બે સંતાનો સાથે બધા ઘરે રહ્યા. દરેક્ને નોકરી અપાવી વર્ષે એક જ સબ ડીવીઝનમાં પાંચ ઘર થયા તે પાંચ ઘરોમાં બબ્બે ગાડીઓ અને દરેક્ની દરેક પ્રકારની નાણાકીય જવાબદારીઓને સહ્ય કરી એક પછી એક લગ્નના પ્રસંગો ઉજવાતા જાય છે
- પૌત્રોની વહુઓને તેમ જ પૌત્રી અને જમાઈને પણ એજ વહાલ અને આદર આપતા
- આજે અમને એટલા બધા વહાલનાં ઢગલાઓ મળ્યા છે કે મને અને શાંતાને લીલી વાડીને છોડવી પડશે કે એવો કોઇ જ ગમ નથી.
- કહેનારા કહે પણ ખરા કે દાદા નહિ હોય પછી બધુ ભાંગી પડશે.. અમેરિકા માં સંયુક્ત કુટુંબ ક્યારેય ટકયા નથી અને ટકશે પણ નહીં મને અને શાંતાને પાકી શ્રધ્ધા છે અમારા કુટુંબમાં મતભેદ ભલે હોય પણ મનભેદ નથી તેથી તે ટકશે તેમા મને કોઇ શંકા નથીજ



Powered By
Comments»
વાંચીને ખુબ જ સારું લાગ્યું. ઇશ્વર કરે સૌને આવું સુખ મળે….
આટલા મોટા પરિવારને જોઈ ખૂબ સારુ લાગ્યું. આમ જ સહુ સાથે મળી આનંદ કિલ્લોલ કરતાં રહે.